ક્રિકેટ બેટનું હેન્ડલ શા માટે અલગથી ફીટ કરવામાં આવે છે ?

Spread the love

નાના બાળકો માટે બેટ લેવા જઇએ તો તેમાં તેનો હાથો અને નીચેનો ભાગ, જેને પ્રોફેશનલી બ્લેડ કહેવાય તે એકધારો એકજ લાકડામાથી બનેલો હોય છે. પણ પ્રોફેશનલ ક્રિકેટ રમતા ખેલાડીઓના બેટમાં ઉપરનું હેન્ડલ કે દેશી ભાષામાં કહો તો ડાંડો, અલગથી ફીટ કરવામાં આવે છે. આમ કરવા પાછળનું કારણ શું ?

આમ કરવા પાછળ એકથી વધુ કારણો છે. દરેક કારણ જાણીએ

ગોળ આકારના લીધે પ્રક્રિયા કોમ્પ્લેક્સ બને

હાથો ગોળ હોય છે. અને નીચેનો ભાગ જેને બ્લેડ કહેવાય તે સપાટ અને ઉપરની તરફ થોડી ધાર ધરાવતા આકારનો હોય છે. હવે જો આખા એક લાકડાને આ રીતે કટીંગ કરવાનું હોય, તો પછી પહેલા ચોરસ અને ગોળ આકાર બનાવવાની પ્રક્રિયા વધુ જટિલ અને લાંબી બની જાય. એટલે એકસાથે બન્નેને જોડાયેલા રાખવા એ હિતાવહ નથી.

કિંમતી લાકડાનો વ્યય

હેન્ડલને ગોળ કાપવા માટે આસપાસનું લાકડુ હટાવવું પડે જેના લીધે કિંમતી લાકડાનો વધારે પડતો વ્યય થાય. બ્લેડ બનાવવા માટે જે લાકડાનો ઉપયોગ થાય છે તેને વિલો વુડ કહેવાય છે જે ખુબ મોંઘુ હોય છે. જ્યારે હેન્ડલમાં સામાન્ય લાકડું પણ ચાલે કારણ કે તેની બનાવટ અને કામગીરી પર તેનાથી કોઇ ફેર નથી પડતો.

હેન્ડલની અંદર રબર હોય છે

હેન્ડલ માત્ર ગોળ લાકડુંજ નથી હોતુ. તેની અંદર રબરબેંડ ફીટ કરીને બે લાકડાને વ્યવસ્થિત દબાણ આપીને ચોંટાડવામાં આવે છે. આમ કરવા પાછળનું કારણ બેટ્સમેનને જ્યારે બોલનો થડકો લાગે તો હેન્ડલમાં તેની ધ્રુજારી શોષાઇ જાય તેનો હોય છે. આ રીતે આ પ્રક્રિયા કરવા માટે પણ હેન્ડલને અલગથી અટેચ કરવું પડે છે.

ધ્રુજારી ઘટી જાય છે

હેન્ડલનું કામ ધ્રુજારીને રોકવાનું હોય છે. બેટ પર આવતા બોલને શોટ મારવાનું કામ નીચેના ભાગ એટલે કે બ્લેડનું હોય છે. જો હેન્ડલ અને બેટ એકજ લાકડામાંથી સળંગ બનેલા હોય તો ધ્રુજારી મોટાપાયે હાથમાં આવે. પરંતુ આ રીતે રબરવાળા લેયરથી બનેલા હેન્ડલને અલગથી ફીટ કરવામાં આવવાથી ધ્રુજારીને તે સારી રીતે શોષીને બેટ્સમેનને સરળતાથી રમવામાં મદદ કરે છે.

શા માટે વી આકારમાં ફીટ કરાય છે હેન્ડલ ?

ચોરસ કે અન્ય કોઇ આકાર સિવાય વી આકારમાં હેન્ડલને બ્લેડમાં ખોસવાનું કારણ તેની ગ્રીપ છે. જો ચોરસ આકારમાં ફીટ થાય તો તે બોલના થડકા સાથે આસાનીથી ઉખડી જાય છે. પરંતુ વી આકારમાં તે સારી રીતે તેમાં ચપોચપ ખોસાયેલું રહે છે. ખૂબ લાંબા સમય સુધી આ રીતે બેટનું હેન્ડલ તેમાં ફીટ રહે છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *