‘ડાયમંડ કિંગ સવજી ધોળકિયાના નામે કૌભાંડ: ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ, મામલો જાણી ચોંકી જશો..

Spread the love

સુરતઃ ડાયમંડ કિંગ કહેવાતા સુરતના સવજીભાઈ ધોળકિયાના નામે કૌભાંડ ચાલી રહ્યું હોવાનો એક બનાવ સુરત ક્રાઇમ બ્રાંચના ચોપડે નોંધાયો છે. આ મામલે ખુદ સવજીભાઈ ધોળકિયાએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું સહિતની વિગતોની હાલ ક્રાઇમબ્રાંચ તપાસ કરી રહી છે.

આઠ હજાર જમા કરાવો અને ગાડી મેળવો

મળતી માહિતી પ્રમાણે ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાના નામે ફેક ફેસબુક આઈડી ખોલીને એક સ્કિમ ચલાવવામાં આવી છે. સ્કિમમાં કહેવામાં આવ્યું છે કે રૂ. આઠ હજાર જમા કરાવો અને સ્વિફ્ટ ગાડી મેળવો. એટલું જ નહીં સસ્તામાં ગાડી આપવાની જાહેરાત કરનાર ભેજાબાજે બેન્કનો એકાઉન્ટ નંબર પણ પોસ્ટ કર્યો છે.

આ વાત હરેકૃષ્ણ ડાયમંડના માલિક સવજીભાઈ ધોળકિયાના ધ્યાનમાં આવતા તેમણે તાત્કાલિક ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરીને કૌભાંડીની ધરપકડ કરવાની માંગણી કરી છે.

નોંધનીય છે કે હરેકૃષ્ણ ડાયમંડના સવજીભાઈ ધોળકિયા પોતાની દરિયાદિલી માટે જાણીતા છે. તેમણે તાજેતરમાં જ દિવાળી ગિફ્ટ સ્વરૂપે તેમના 600 કર્મચારીઓને ગાડી ભેટમાં આપી હતી. તેઓ દર વર્ષે તેમને કર્મચારીઓને બોનસના સ્વરૂપમાં કાર કે મકાન આપતા રહે છે. થોડા દિવસો પહેલા જ તેમણે તેમના ત્રણ મેનેજરને લક્ઝુરિયસ મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી.

દિવાળી બોનસમાં 600 કાર આપવા માટે ખાસ વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી કર્મચારીઓને સંબોધન કરીને તેમને કારની ચાવી આપી હતી. 600 કર્મચારીઓમાં બે મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ થતો હતો. આ બે મહિલા કર્મીઓમાંથી એક મહિલા દિવ્યાંગ હતી.

આ અંગે સવજીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતુ કે, દિવાળી પર બોનસ આપવાથી કર્મચારીઓને પ્રોત્સાહન મળે છે. અંતે આ બધાનો ફાયદો કંપનીને જ થાય છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *