પેટ્રોલ-ડીઝલ ના ભાવ કેમ વધી રહ્યા છે? જાણો

Spread the love

ક્રૂડના વૈશ્વિક ભાવમાં વૃદ્ધિ અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. તેને લીધે સરકાર પર ડ્યૂટીમાં ઘટાડો કરી ગ્રાહકોને રાહત આપવાનું દબાણ વધી રહ્યું છે. દિલ્હીમાં રવિવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ.76.24 હતો, જે સપ્ટેમ્બર 2013ના રૂ.76.06ના સર્વોચ્ચ સ્તરને વટાવી ગયો છે. ત્યારે આર્થિક પાટનગર મુંબઈમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂ.84.07, ચેન્નાઈમાં રૂ.79.13 અને કોલકાતામાં રૂ.78.91 હતો.

છેલ્લા કેટલાક સમયમાં ડીઝલના ભાવ પણ સતત નવી ઊંચી સપાટી સ્પર્શી રહ્યા છે. રવિવારે દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ.67.57, કોલકાતામાં રૂ.70.12, મુંબઈમાં રૂ.71.94 અને ચેન્નાઈમાં રૂ.71.32 હતો. 1 જુલાઈ 2017થી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે રૂ.13.15 અને રૂ.14.24નો વધારો નોંધાયો છે.

સૂચિત ગાળામાં વૈશ્વિક બજારમાં ક્રૂડનો ભાવ લગભગ 67 ટકા વધીને 80 ડોલરે પહોંચ્યો છે. માંગમાં વધારો, સાઉદી અરેબિયા અને રશિયાની આગેવાનીમાં ઓઇલ કાર્ટેલ દ્વારા ઉત્પાદન કાપ, વેનેઝુએલાના ઉત્પાદનમાં ઘટાડો અને ઇરાન પર પ્રતિબંધના અમેરિકાના નિર્ણયને પગલે ક્રૂડના ભાવમાં ઉછાળો નોંધાયો છે.

પેટ્રોલ મુંબઈમાં સૌથી મોંઘું છે જ્યારે હૈદરાબાદમાં ડીઝલ સૌથી મોંઘું છે. ખાસ વાત એ છેકે ઘણાં શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ખાસ અંતર રહ્યું નથી. જેથી બંને વાહનોના માલિકોને કોઇ પણ ખાસ ફાયદો મળી રહ્યો નથી.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજ વધઘટની સ્વતંત્રતા છે. જોકે, કર્ણાટકની ચૂંટણીના 19 દિવસ અગાઉ પેટ્રોલ-ડીઝલનો દૈનિક વધારો અટકાવી દેવાયો હતો. આ ગાળામાં ક્રૂડના વૈશ્વિક ભાવમાં સતત વધારો નોંધાયો હતો. જેને સરભર કરવા ઓઇલ કંપનીઓ હવે ભાવ વધારી રહી છે. 14 મેના રોજ દૈનિક ભાવવધારો શરૂ થયો ત્યારથી પેટ્રોલના ભાવમાં લિટરે રૂ.1.61 અને ડીઝલમાં રૂ.1.64નો વધારો થયો છે.

આ તરફ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, હું જાણુ છું કે દેશમાં અને તેમાં પણ ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને પેટ્રોલ, ડીઝલની વધતી કિંમતોથી સૌથી વધુ ખરાબ અસર થઈ છે. સરકાર તેનો હલ શોધવા ખૂબ જ જલ્દી કોઈ પગલું ઉઠાવશે. જોકે તેમણે એ સ્પષ્ટ ન કર્યું કે સરકાર કઈ દિશામાં પગલું ભરશે અને શું પગલું ભરશે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *