મને વાળ પકડીને માર મારવામાં આવ્યો, છાતી પર હાથ મૂક્યો: રિવાબાની ફરિયાદ

Spread the love

અકસ્માત થયો તે સ્થળ તેમજ આરોપી પોલીસકર્મી સંજય

સોમવારે સૌરાષ્ટ્રના જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પર હુમલો થયો હતો. આ હુમલો કરનાર બીજો કોઈ નહીં પણ એક પોલીસ કર્મી છે. આ મામલે મોડીરાત્રે પોલીસે પોલીસ કોન્સ્ટેબલ સંજય કરંગિયાની ધરપકડ કરી છે. જાડેજાના પત્ની રિવાબાએ કરેલી પોલીસ ફરિયાદ પ્રમાણે તેમને વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો. તેમજ આરોપી પોલીસકર્મીએ તેમની છાતી પર પણ હાથ મૂક્યો હતો. રિવાબા પર હુમલા સંદર્ભે સરકાર દ્વારા તપાસના આદેશ અપાયા હતા. આ કેસમાં આરોપી કોન્સ્ટેબલની પહેલા ડાંગ ખાતે બદલી કરવામાં આવી હતી, બાદમાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

શું છે બનાવ?

જામનગર પોલીસ હેડક્વાર્ટર, શરૂ સેકશન રોડ સેવાસદનની બાજુમાં સોમવારે સાંજના સમયે કાર અકસ્માત બાદ રિવાબા પર હુમલો થયો હતો. ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલના બાઇક સાથે તેમની બીએમડબ્લ્યૂ કારનો અકસ્માત થયો હતો. જેના પગલે પોલીસ કોન્સ્ટેબલે રિવાબા ઉપર હુમલો કર્યો હતો. હુમલા બાદ રિવાબા ફરિયાદ કરવા માટે એસ.પી. પાસે દોડી ગયા હતા.

ફરિયાદમાં શું લખવામાં આવ્યું?

સોમવારે સાંજે આ અંગે રિવાબાના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે સોમવારે સાંજે 4 વાગ્યાની આસપાસ તેઓ પોતાની દીકરી રિવાબા અને તેમની 11 માસની દીકરીને લઈને પોતાની બીએમડબલ્યૂ કારમાં જામનગર જવા નીકળ્યા હતા. અકસ્માત સમયે રિવાબા ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. જામનગર ખાતે આશરે પોણા સાતેક વાગ્યે તેમની કાર ડ્રાઇવર સીટ તરફની બાજુથી એક મોટરસાઈકલ સાથે અથડાઈ હતી. આ બનાવ જામનગર પોલીસ હેડક્વાર્ટર ગેટ પાસે જ બન્યો હતો.

મોટરસાઇકલ સવારે ગાળો ભાંડી માર માર્યો

ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માત બાદ કાર ઉભી રાખતા પોલીસકર્મીએ તેમને ગાળો ભાંડી હતી. પોલીસકર્મીને ગાળો બોલવાની ના કહેતા તેણે પોલીસમાં નોકરી કરતો હોવાનું કહીને રિવાબા સાથે મારામારી કરી હતી. તેના વાળ ખેંચીને તેનું માથું કારના કાચ સાથે બે-ત્રણવાર અથડાવ્યું હતું. એટલું જ નહીં પોલીસકર્મીએ રિવાબાની છાતી અને ગરદનના ભાગે હાથ નાખીને તેમને તેના તરફ ખેંચવાની ચેષ્ટા પણ કરી હતી. આ સમયે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રિવાબાને છોડાવ્યા હતા.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *